Sunday, July 11, 2010
અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ ...
અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ
મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ ઘાયલ ’
ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ
ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું
સંસારમાં રહીને શાયર થઇ શકું છું
નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું
હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું
અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું ,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું ;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ ઘાયલ ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.
નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું
મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું
કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું
હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું
-- અમૃત ઘાયલ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment