Thursday, June 24, 2010

માય સન્સ ફાધર -- વિજય દીનાનાથ ચૌહાણ, પૂરા નામ !

૨૦ મી સદીના બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની કારકિર્દીની ત્રણ મહાનતમ ફિલ્મો દીવાર’, ‘ત્રિશૂલઅને અગ્નિપથમાં એન્ટિ હીરોવિજયની પૈદાઈશ પાછળ એના જીવનમાં એના પિતાની ગેરહાજરી કારણભૂત છે. દીવારમાં એના ટ્રેડ યુનિયનિસ્ટ પિતા આનંદ વર્મા (સત્યેન કપ્પુ) સાથે બનાવટ થાય છે અને એ પરિવાર છોડી પલાયન થઈ છે. પાછળ રહી જાય છે વિજયના હાથ પરનું છૂંદણું : મેરા બાપ ચોર હૈ. ત્રિશૂલમાં અનૌરસ વિજય એના પિતા આર.કે. ગુપ્તા (સંજીવકુમાર)ને ધંધામાં બરબાદ કરીને માતા શાંતિને થયેલા અન્યાયનો બદલો લે છે, પણ કલાયમેક્ષમાં એ જ વિજય એના પિતાની જિંદગી બચાવવા મેદાને પડે છે. અગ્નિપથમાં વિજય બચપણમાં જ અનાથ થઈ જાય છે અને પિતાની આ હત્યાનો બદલો લેવા અને માતા સુહાસિની ચૌહાણના ગૌરવને પુનર્સ્થાપિત કરવા જાનની બાજી લગાવી દે છે. શરાબીમાં પિતા-પુત્રના આ વિચિત્ર રિશ્તાનો ક્લાયમેક્ષ છે. ફિલ્મમાં વિકી (અમિતાભ) પિતા અમરનાથ (પ્રાણ)નું ઘર ત્યજી જાય છે ત્યારે પિતાનો હરીફ ગોવર્ધન દાસ (સત્યેન કપ્પુ) વિકીને પોતાની સાથે રહેવા આમંત્રણ આપે છે, જેથી અમરનાથને જવાબઆપી શકાય. વિકી ત્યારે કહે છે, ‘ગોવર્ધન શેઠ, મેરે બાપ કો જવાબ દેનેવાલા આજ તક પેદા નહીં હુઆ હૈ ઔર વો જવાબ મેં અભી અભી ઉન કો દે કે આયા હૂં.

ગ્રીક પુરાણકથામાં ઓડિપસ નામના એક રાજાનું પાત્ર છે, જે ભવિષ્યવાણી પ્રમાણે પોતાના જ પિતાનું ખૂન કરી નાખે છે. પ્રસિદ્ધ મનોવિશ્લેષક સિગમન્ડ ફ્રોઈડે આના પરથી ઓડિપસ કોમ્પલેક્સનામની થિયરી વિકસાવી હતી, જે અનુસાર દરેક સંતાન (પુત્ર)માં એના પિતા વિરુદ્ધ વિદ્રોહની એક ભાવના હોય છે. ફ્રોઈડની આ થિયરી જરા આત્યંતિક હતી પણ ફ્રોઈડની એક વાત સાચી હતી કે બચપણમાં પિતાના સંરક્ષણથી વધુ મહત્ત્વની જરૃરિયાત બીજી કોઈ હોતી નથી.

માતા અને પિતા... આ બેમાંથી માતા વિશે બહુ લખાયું છે. માતા અને એના સંતાન વચ્ચેનો સંબંધ ડાયરેક્ટગણાય છે, કારણ કે માતા સંતાનને નવ મહિના કોખમાં ધારણ કરે છે અને પૂરા સંરક્ષણ સાથે એને આ દુનિયામાં પ્રવેશ કરાવે છે. પિતાનો સંબંધ ઇનડાયરેક્ટછે. એક સંતાન માતા થકી આંખ ખોલે છે અને એનો પહેલો શબ્દ માહોય છે. (જગતની તમામ ભાષાઓમાં માતા અથવા મધર શબ્દ અક્ષરથી જ શરૃ થાય છે) સંતાન માટે પિતા લગભગ ગેરહાજર હોય છે. ત્યાં સુધી કે પિતા કોઈ પણ હોઈ શકે પણ માતાની આઈડેન્ટિટી સુનિશ્ચિત હોય છે.

આ જ કારણસર માતૃત્વનાં ગુણગાન ગવાયાં છે જ્યારે પિતૃત્વ લગભગ હાંસિયામાં રહ્યું છે. પણ આધુનિક વિજ્ઞાન અને માનસશાસ્ત્રની દુનિયામાં હવે નવી સચ્ચાઈ સામે આવી રહી છે. કેનેડિયન લેખિકા, કવિ અને નારીમુક્તિ ચળવળની અગ્રણી માર્ગારેટ એટવૂડની નવલકથા કેટ્સ આઈમાં ઈલીન રિસ્લે નામની ચિત્રકારના બચપણની વાર્તા છે, એમાં એક સ્થળે એ કહે છે, ‘‘દરેક પિતા દિવસે અદૃશ્ય હોય છે.દિવસ પર માતાની માલિકી હોય છે અને પિતા રાતે જ બહાર આવે છે. અંધકાર પિતાઓને ઘરે લાવે છે, એક એવા પાવર સાથે જેનું વર્ણન અશક્ય છે. પિતાઓ વિશે જે કહેવાયું છે તે ઘણું ઓછું છે.’’

પેન્સીલ્વેનિયાની પેન  સ્ટેટ યુનિર્વિસટીના સમાજશાસ્ત્ર અને ફેમિલી સ્ટડીઝની પ્રોફેસર વલેરી કિંગ એના એક તાજા સંશોધનમાં કહે છે કે સંતાનની શૈક્ષણિક સિદ્ધિ, એના વ્યવહાર-વર્તન અને જિંદગીમાં કંઈક કરવાની આવડતમાં પિતાની ભૂમિકા બહુ મહત્ત્વની છે. આમ પણ એક જાણીતી બાબત એ છે કે દરેક સંતાન માટે એનો પિતા જ એનો આદર્શ, એનો હીરો હોય છે, એનો ગુરુ હોય છે અને દરેક સંતાન એના આદર્શ કરતાં, એના ગુરુ કરતાં આગળ જવા ઇચ્છે છે. પિતા સામે સંતાનના વિદ્રોહની ફ્રોઇડિયન થિયરી સાચી માની લઈએ તોય એનું મૂળ ઓડિપસ કોમ્પલેક્ષમાં નહીં પણ ભારતીય ગુરુ-શિષ્ય પરંપરામાં છે, જ્યાં શિષ્ય હંમેશાં ગુરુથી સવાયો થાય છે અને એમાં જ ગુરુની પણ સાર્થકતા છે.

સમાજમાં અને ઇતિહાસમાં માતૃત્વની સરખામણીમાં પિતૃત્વની અન્યાયની હદે ઉપેક્ષા થઈ છે. પૃથ્વીની અથવા ભૂમિની સરખામણી માતા સાથે થાય છે, કારણ કે એ ફળદ્રુપ છે. પરંપરાગત રીતે રશિયામાં મધર રશિયાશબ્દનું ચલણ હતું અને ત્યાંથી જ વતન અથવા હોમલેન્ડ માટે મધરલેન્ડ કે પછી માતૃભૂમિની ધારણા આવી છે. ફાધરલેન્ડ અથવા પિતૃભૂમિ શબ્દ જર્મની માટે જ વપરાયો છે. અને હિટલરના કારણે એ બદનામ પણ થઈ ગયો છે. જર્મન રાષ્ટ્રગીત ધ સોંગ ઓફ જર્મનીમાં શબ્દો છે : યુનિટી એન્ડ જસ્ટિસ એન્ડ ફ્રીડમ ફોર ધ જર્મન ફાધરલેન્ડ... ફુલરીશ ઇન ધિસ ફોર્ચ્યુન્સ બ્લેસિંગ, ફ્લરીશ જર્મન ફાધરલેન્ડ!

રાષ્ટ્રવાદના પ્રખર અભ્યાસુ યુનિર્વિસટી ઓફ વિસ્કોનસીન-મેડિસનના ડિપાર્ટમેન્ટ ઓફ જીઓગ્રાફીના પ્રોફેસર રોબર્ટ જે. કૈસર દલીલ પેશ કરે છે કે વતન સાથે અંગત સંબંધને વ્યક્ત કરવા લોકો મધરલેન્ડની ધારણાનો આધાર લે છે, પણ કટોકટીનો સમય આવે ત્યારે ફાધરલેન્ડશબ્દનો પ્રયોગ થાય છે. જર્મનીનો ઇતિહાસ કંઈક આવો જ છે. ૧૮૦૦ની શરૃઆતમાં નેપોલિયન બોનાપાર્ટે જર્મનીનો કબજો લઈ લીધો ત્યારે જર્મન લોકોએ ફાધરલેન્ડશબ્દ વાપર્યો હતો. આ જ સમયે (૧૮૧૩)અર્નેસ્ટ મોર્ટીઝ અર્નડ નામના કવિએ ઝ જર્મન ફાધરલેન્ડનામની કવિતા લખી હતી.

માર્ગારેટ એટવૂડ કહે છે તેમ જ્યારે કટોકટી આવે, જ્યારે અંધકાર છવાઈ જાય, જ્યારે અસલામતીનો અહેસાસ થાય ત્યારે પિતા સંરક્ષક તરીકે વહારે આવે છે. માતાની ભૂમિકા ગર્ભધારણથી લઈને જન્મ અને બચપણ સુધી હોય છે. સંતાનમાં જ્યારે સમજદારી ફૂટે છે, દુનિયાની ક્રૂરતા સામે આવે છે, બચપણનું સુરક્ષાનું અબુધ કવચ ખુલ્લું થઈ જાય છે અને સમજણની અસુરક્ષા સતાવવા લાગે છે ત્યારે માતાની ભૂમિકા ઘટવા લાગે છે અને પિતાનો રોલ ફોકસમાં આવવા લાગે છે. જિંદગી કવિતા અને રોમાન્સ અને હાલરડાં અને ખ્વાબોની બનેલી નથી પણ નક્કર સંઘર્ષો અને લડાઈઓથી ભરેલી છે, એ હકીકતનું ભાન પિતા કરાવે છે.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના મશહૂર સંપાદક ફ્રેન્ક મોરાયસના પુત્ર અને કવિ ડોમ મોરાયસનું બચપણ માતાના પાગલપનમાં ગુજર્યું હતું. ડોમ જિનિયસ હતો. ૧૦ વર્ષની વયે એણે તમામ રશિયન ક્લાસિક નવલકથાઓ વાંચી નાખી હતી. ૧૨ વર્ષની વયે એ કવિતા લખતો થઈ ગયો. ૧૫ વર્ષની વયે પ્રસિદ્ધ બ્રિટિશ કવિ ડબલ્યુ. એચ. ઓડેન ડોમની કવિતા વાંચતા હતા. ૧૯મા વર્ષે એનો પ્રથમ કવિતાસંગ્રહ પ્રગટ થયો. ૧૯૬૮માં ડોમની ઉંમર ૩૦ વર્ષની હતી અને એણે આત્મકથા લખી નાખી : માય સન્સ ફાધર. એક ઇન્ટરવ્યૂમાં ડોમ કહેવાનો હતો, ‘મને કોઈ શિખવાડે તે પહેલાં હુું મારા પિતાના ટાઈપરાઈટર પર એક આંગળી વડે ટાઈપિંગ કરતાં શીખી ગયો હતો અને એ ટેવ હજુય યથાવત્ છે.કહેવાની જરૃર નથી કે માય સન્સ ફાધરએક ક્લાસિક આત્મકથા છે.

સંતાનોના જીવન પર પિતાનો પ્રભાવ યશસ્વી હોય છે. એ પિતા પછી ભલે એક નિષ્ફળ પતિ હોય કે બદદિમાગ ઈન્સાન હોય. આપણે વાત ફિલ્મોથી શરૃ કરી હતી. અંતે પાછા ત્યાં જ જઈએ. દુનિયાની કોઈ પણ સિનેમામાં માત્ર હિન્દી સિનેમા જ એવી છે જ્યાં કપૂર પરિવાર સતત ચોથી પેઢીએ લીડ એકટર તરીકે કામ કરે છે. કપૂર પરિવારમાં માતાઓ લગભગ ઓજલ છે. બચ્ચન પરિવારમાં અમિતાભે એકથી વધુ વખત એના બાબુજીના પ્રભાવની વાત કરી છે. તેજી બચ્ચન લગભગ ઓજલ છે. અભિષેક આ જ કહાની આગળ ધપાવે છે અને જયા બચ્ચન લગભગ ઓજલ છે.

દેઓલ પરિવારમાં બે માતાઓ (પ્રકાશ અને હેમા) છે પણ પિતા ધર્મેન્દ્રનો સ્ટેમ્પ સંતાનો પર સ્પષ્ટ છે. નરગિસ એના સમયમાં સુનીલ દત્ત કરતાં મોટી સ્ટાર હતી, પણ દીકરા સંજય દત્તનાં સુખ-દુઃખમાં પહાડ જેવો ટેકો તો પિતા તરફથી જ મળતો.

માતા જિંદગી આપે છે, પણ જિંદગી જીવવાનું પિતા તરફથી આવે છે. પછી એ બચ્ચન હોય કે સડક પર જૂતાં સીવતો મોચી. મેં આજ ભી ફેંકે હૂએ પૈસે નહીં ઉઠાતાએ ખુદ્દારી પણ પ્રામાણિક પિતા ટ્રેડ યુનિયનિસ્ટ આનંદ વર્માના જીન્સમાંથી જ આવે છે. પિતા ગુરુ છે અને સંતાન શિષ્ય. રામાયણના રામ કૌશલ્યા અને કૈકેયી વચ્ચે ફસાય છે, પણ એમનું જીવનદર્શન દશરથથી ઘડાય અને મંજાય છે. અગ્નિપથના માસ્તરના દીકરાનો આ સંવાદ ફરી કાને પડે તો ધ્યાનથી સાંભળજો : વિજય દીનાનાથ ચૌહાણ, પૂરા નામ! બાપ કા નામ દીનાનાથ ચૌહાણ, મા કા નામ સુહાસિની ચૌહાણ, ગાંવ માંડવા, ઉંમર છત્તીસે સાલ...

- રાજ ગોસ્વામી (Sandesh 20/June/2010)

No comments: